લોકસભા ચૂંટણી પહેલા બેંક ખાતા ફ્રીઝ કરવાના મુદ્દે કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ તરફ બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અજય માકને આજે પ્રેસ કોન્ફરન્સ કરી. અડધા કલાકમાં ત્રણેય નેતાઓએ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં બેંક ખાતાં ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. ત્રણેય નેતાઓએ કહ્યું કે અમારાં ખાતાં ફ્રીઝ કરીને મુક્ત નિષ્પક્ષ ચૂંટણીની વાત કેવી રીતે થઈ શકે. ખડગેએ કહ્યું કે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.
લોકશાહી માટે એ મહત્ત્વનું છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય અને તમામ રાજકીય પક્ષોને સમાન તકો મળે. ED, IT અને અન્ય સ્વતંત્ર સંસ્થાઓ પર કોઈ નિયંત્રણ હોવું જોઈએ નહીં. ઈલેક્ટોરલ બોન્ડને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં જે હકીકતો સામે આવી છે તેનાથી દેશની ઈમેજને ઠેસ પહોંચી છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલાં જ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરીને કોંગ્રેસને લકવા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લોકશાહી પર હુમલો છે. છેલ્લા એક મહિનાથી અમે અમારા રૂ. 285 કરોડનો ઉપયોગ કરી શક્યા નથી. તો રાહુલ ગાંધીએ કહ્યું- કોંગ્રેસ પાર્ટીનાં બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. પણ કોઈ અદાલતે કે ચૂંટણી પંચે કંઈ કર્યું નથી. જો દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનાં બેંક ખાતાં બંધ છે તો દેશમાં લોકશાહીની વાત કેવી રીતે કરી શકાય.