બાંગ્લાદેશમાં ઈસ્કોનને લઈને લઈ અનેક વિવાદ જોવા મળી રહ્યાં છે. જ્યારે આ બધાં વચ્ચે ઢાકા કોર્ટે બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી દીધી છે.
આજ રોજ ઢાકા કોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે અમે ઇસ્કોનની પ્રવૃત્તિઓ સામે જરૂરી પગલાં લીધા છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે. સરકારે કહ્યું કે ઈસ્કોન કેસમાં અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયા છે અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના ખડકી દેવામાં આવી છે.
સુનાવણી દરમિયાન, અરજી કરનાર વકીલે કહ્યું કે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો આ યોગ્ય સમય છે. તેના પર કોર્ટે કહ્યું કે આનો નિર્ણય સરકાર કરશે. ખરેખરમાં ઈસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની રાજદ્રોહના કેસમાં ધરપકડ થયા બાદ સંગઠનને લઈને વિવાદ વધી રહ્યો છે. દાસને જેલમાં ધકેલ્યા બાદ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી.
આ ઉપરાંત, આના કારણે બાંગ્લાદેશ અને ભારત સરકારના સંબંધોમાં પણ ખટાશ આવી છે. 26 નવેમ્બરે ચટગાંવમાં ઈસ્કોન ચીફના જામીન નામંજૂર થયા બાદ થયેલી હિંસામાં વકીલ સૈફુલ ઈસ્લામનું મોત થયું હતું. આ પછી 27 નવેમ્બરે બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.