bz-group-ponzi-scheme |
ભૂપેન્દ્ર ઝાલા આ આખા ખેલનો માસ્ટર માઈન્ડ હતો. જે જુદી જુદી લાલચ આપીને રોકાણકારોને આકર્ષતો હતો. BZ Groupની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તે રોકાણકારોને મૌખિક 18 ટકા વ્યાજની લાલચ આપતા. એફડી પર 7 ટકાની લાલચ આપતા. 32 ઈંચના એલઈડી ટીવી તેમજ મોંઘાદાટ ફોનની લાલચ આપતા. મોટા રોકાણ પર ગોલ્ડ કોઈન અને કારના ગિફ્ટની લાલચ આપતા. તેમજ ગોવા ટુરની લાલચ આપતા હોવાનું સામે આવ્યુ છે.
તો બિગ ઝોલની લોભામણી લાલચમાં કોણ કોણ ફસાયું તેની વાત કરીએ તો લોકમુખે ચર્ચા છે કે નિવૃત સરકારી કર્મચારી, શિક્ષકો, પોલીસ કર્મચારી, તેમજ સામાન્ય નાગરિકોએ તેમાં રોકાણ કર્યુ છે. સ્થાનિકો કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલા રોકાણકારોની સાથે એજન્ટોને પણ મોટી મોટી લાલચો આપતો.
ભૂપેન્દ્ર ભલે હાલ ભાગવામાં સફળ થયો હોય પરંતુ તેના પાપમાં ભાગીદાર એવા એજન્ટો પર ગાજ પડી છે. BZ પોન્ઝી સ્કીમના મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત અન્ય 5 એજન્ટોની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. રણવીર ચૌહાણ, અંકિત દિલીપસિંહ, સંજય પરમાર, વિશાલસિંહ ઝાલા, રાહુલ રાઠોડની પણ પોલીસે ધરપકડ કરી છે.
ઝાલાનો ઝોલ એવો હતો કે તેણે ન માત્ર સાબરકાંઠામાં ઠગાઈ કરી. ગુજરાતભરમાં ઓફિસો ખોલી લૂંટ શરૂ કરી હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં મુખ્ય ઓફિસ, અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં ઓફિસ, મહેસાણાના વિજાપુરમાં ઓફિસ, ગાંધીનગરના સેક્ટર 11માં ઓફિસ, વડોદરાના સમા સાવલી રોડ પર ઓફિસ તો છેક સૌરાષ્ટ્રમાં અમરેલીના રાજુલામાં પણ BZ ગ્રુપે ઠગાઈ કરવા ઓફિસ ખોલી હતી.