Biporjoy Cyclone Effect In Gujarat
બિપરજોય વાવાઝોડું(Biporjoy Cyclone)દિશા બદલી તેજ ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે ત્યારે બીજી બાજુ વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. અરબિ સમુદ્રમાં સર્જાયેલા ભારે ચક્રવાતને પગલે તંત્ર દ્વારા NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.
કચ્છના માંડવી દરિયા કિનારાના વિસ્તારમાં લેન્ડફોલ થવાની શક્યતાને પગલે ત્યાં 2 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, મોરબી, રાજકોટ, દીવ સહિતના વિસ્તારોમાં પણ 1-1 NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે.
વડોદરામાં પણ અતિ આધુનિક સાધનો સાથે 3 NDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. હાલમાં તમામ બંદરો પર સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. દરિયાકાંઠાના ગ્રામજનોને પણ એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા જણાવવામાં આવ્યું છે.
વાવાઝોડાની અસરને પગલે તમામા દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને ઊંચા મોજા ઉછળ્યા હતા. બીજી બાજુ વાવાઝોડાને પગલે હવામાન વિભાગ દ્વારા 14 અને 15 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે.