જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. જ્યારે બે આતંકીઓ ભાગવામાં સફળ થયા છે. જેના કારણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ઘૂસણખોરી કરતી વખતે સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરટવાલે જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ નૌશેરા સેક્ટરમાં LOC નજીક આતંકવાદીને ઠાર માર્યો હતો. શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા સુરક્ષાદળો એલર્ટ થઈ ગયા હતા. સુરક્ષાદળો એલઓસી પર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસો પર નજર રાખી રહ્યા છે. જ્યારે ત્રણ આતંકવાદીઓ ફેન્સિંગની નજીક પહોંચ્યા, ત્યારે તેમને પડકારવામાં આવ્યા અને ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. જ્યારે તેના બે આતંકવાદી સાથીઓ ઘાયલ થયા હતા અને જંગલમાં છુપાઈ ગયા હતા. બંને ગાઢ જંગલ અને ખરાબ હવામાનને કારણે પાછળથી ભાગવામાં સફળ થયા હતા.
ઘટનાસ્થળે વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકી પાસેથી એકે 47 રાઈફલ, 175 રાઉન્ડ સાથે ત્રણ એકે મેગેઝીન, એક 9 એમએમ પિસ્તોલ, 15 રાઉન્ડ સાથેના બે મેગેઝીન, ચાર હેન્ડ ગ્રેનેડ, ખાવાની વસ્તુઓ અને કપડાં મળી આવ્યા છે.