ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં આજે વહેલી સવારે એક ગોઝારી ઘટના સર્જાઈ. યુપીના આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે તેમાં ઘટનાસ્થળે જ 18 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં 14 પુરુષ, 3 મહિલા અને 1 બાળકોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી પ્રમાણે બસ બિહારના સીતામઢીથી દિલ્લી જઈ રહી હતી ત્યારે આ દુર્ગટના સર્જાઈ હતી. આ ઘટના લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બાંગરમઉ કોતવાલી પાસે સર્જાઈ હતી. જ્યાં યાત્રિકોની બસ અને દૂધના ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની ડ્રાઈવર સાઈડની બૉડી આખી અલગ થઈ ગઈ હતી. અને યાત્રીઓ બસમાંથી બહાર ફંગોળાયા હતા. અનેક લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. રુંવાટા ઉભા કરી દે તેવા ઘટનાસ્થળના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં બસના કાટમાળની સાથે લોકોના મૃતદેહો પણ વિખેરાયેલા છે.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિય લોકો અને પ્રશાસન દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ઘાયલોને બાંગરમઉ CHC સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 4 ગંભીર ઈજાગ્રસ્તોને લખનઉ ટ્રોમા સેન્ટર ખસેડાયા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું.. કેન્દ્ર સરકારે મૃતકોના પરિજનોને 2 લાખની અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.