બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, 2010માં બનાવવામાં આવેલું સહરસાના પ્રાણપુરમાં પુલ ધરાશાયી થયો

Newsvishesh
By Newsvishesh 153 Views

બિહારમાં પુલ ધરાશાઈ થવાનો સિલસિલો થોભવાનું નામ નથી લઈ રહ્યો. આવખતે સહરસાના પ્રાણપુર વિસ્તારમાં એક પુલ ધરાશાયી થઈ ગયો. એક તરફ વરસાદી આફત વરસી રહી છે. નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. હજુ આગામી 4 દિવસ બિહારમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાં એક બાદ એક પુલ જમીનદોસ્ત થઈ રહ્યા છે. આ ઘટનાની સાથે જ બિહારમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાનો આંકડો 13 પર પહોંચી ગયો છે.

આ અગાઉ બિહારમાં અલગ-અલગ જગ્યાઓ પર 12 બ્રિજ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. સહરસા ખાતેનો આ પુલ જોકે નાનો બ્રિજ હતો. પરંતુ તેના તુટવાથી મોટી સંખ્યામાં લોકોનો જીલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. આ બ્રિજ આસપાસના ચારથી પાંચ ગામ માટે આવરજવરનો મુખ્ય રસ્તો હતો. 2010માં આ પુલ બનાવાયો હોવાનું સામે આવ્યું છે. નદીના ભારે પ્રવાહમાં પુલ ધોવાઈ ગયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

જો કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કેટલું નુકસાન થયું છે તેની સમિક્ષા કરી હતી. સાથે જ પુલની મજબુતાઈને લઈને પણ તપાસ કરવામાં આવશે. છેલ્લા થોડા સમયથી બિહારમાં બ્રિજ ધરાશાયી થવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બ્રિજની મજબુતાઈ અને તેની ગુણવત્તાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.

Share This Article
Leave a comment