ભારે વરસાદને પગલે દામોદર કુંડ અને નરસિંહ મહેતા તળાવે ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ

Newsvishesh
By Newsvishesh 157 Views

જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી તમામ નદી-નાળાં છલકાવી દીધા હતા. ભારે વરસાદને કારણે દામોદર કુંડ અને નરસિંહ મહેતા તળાવે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે વરસેલા વરસાદે લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. જૂનાગઢના ગિરનાર પર્વત પર ગઈકાલે છ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા.

ભારે વરસાદને પગલે માણાવદરમાં આવેલા દામોદર કુંડમાં નવા નીર પહોંચતા તે ઓવરફ્લો થઈ ગયો હતો. ગઈકાલે મોડીરાત્રે મેઘરાજાની આક્રમક બેટીંગના કારણે દામોદર કુંડે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.. તેનો ધસમસતો પ્રવાહ તમે દર્શ્યોમાં પણ જોઈ શકો છો. માત્ર દામોદર કુંડ જ નહીં જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદને પગલે તમામ નદીનાળાં છલકાઈ ઉઠ્યાં હતા. ભારે વરસાદને પગલે નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફ્લો થયું હતું.. તળાવના પાણી મોડી રાત્રે સોસાયટીઓમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં અફળાતફળી સર્જાઈ હતી.

સોસાયટીઓના પાર્કિંગમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્થાનિય અધિકારીઓ પણ સ્થળની સમિક્ષા કરવા પહોંચ્યા હતા. સતત વરસાદની આગાહીને જોતા સ્થાનિય તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

Share This Article
Leave a comment