ભરૂચ, ખેડા, દાહોદ, મહિસાગર અને નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Newsvishesh
By Newsvishesh 95 Views

ગુજરાતમાં આજે ફરીથી મેઘરાજાની સવારી જોવા મળી. આજે ભરૂચ, ખેડા, દાહોદ, મહિસાગર અને નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ભરૂચના આમોદમાં ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. આમોદના મુખ્ય બજાર, તિલક મેદાન અને મચ્છી માર્કેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદને પગલે નડિયાદના શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા હતા. આ સાથે જ નડિયાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પીપલગ, ડભાણ, ડુમરાલ, ઉત્તરસંડા, ફતેપુરા, પીજ અને વસો ગામમાં વરસાદ જોવા મળ્યો. બપોર બાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. દહોદ શહેરમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો, જ્યારે દાહોદના ફતેપુરામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

મહિસાગર જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો. મહિસાગરના લુણાવાડા, ખાનપુર, કડાણા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો. તો બીજી તરફ નવસારી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. નવસારીના 6 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યાં હતા.

Share This Article
Leave a comment