ભારતને ન્યુક્લિઅર પ્લાન્ટ સ્થાપવામાં રશિયા મદદ કરશે, પીએમ મોદીના રશિયા પ્રવાસમાં આ અંગે સહમતી સધાઇ છે.ભારતમાં 6 ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવામાં રશિયા મદદ કરશે. પીએમ મોદીના રશિયા પ્રવાસ દરમિયાન 9 કરારો પર હસ્તાક્ષર થયા છે જેમાં ન્યુક્લિઅર પ્લાન્ટનો પ્રોજેક્ટ પણ સામેલ છે. રશિયાની પરમાણુ ઉર્જા એજન્સી રોસાટોમ ભારતમાં પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરશે. ન્યુક્લિયર પ્લાન્ટના ડિઝાઇન અને લોકેશન અંગે ચર્ચા થઇ છે.
આ અંગે રોસાટોમે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ભારત સાથે સહકારના નવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી રહી છે. નવી સાઇટ પર રશિયન ડિઝાઇનના વધુ છ ઉચ્ચ-શક્તિના પરમાણુ એકમોનું નિર્માણ અને કેટલાક નાના પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણમાં ભારત સાથે સહયોગ કરવા અંગે અમારી વાતચીત થઈ છે. રોસાટોમ અને ભારત ઉત્તરીય સમુદ્ર માર્ગની પરિવહન ક્ષમતા વિકસાવવા માટે પણ ચર્ચા કરી રહ્યા છે.
આ દરિયાઈ માર્ગ નોર્વે સાથેની રશિયાની સરહદ નજીકના મુર્મન્સ્કથી પૂર્વ તરફ અલાસ્કા નજીક બેરિંગ સ્ટ્રેટ સુધી વિસ્તરે છે. આ દરિયાઈ માર્ગ ખાસ કરીને રશિયન તેલ, કોલસો અને પ્રવાહી કુદરતી ગેસના પુરવઠા માટે મહત્વપૂર્ણ છે.રશિયા 2030 સુધીમાં NSR દ્વારા 150 મિલિયન મેટ્રિક ટન પરિવહન કરવાની આશા રાખે છે, જે આ વર્ષે 80 મિલિયન મેટ્રિક ટનથી વધુ છે.