અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં, 15 ઓક્ટોબરથી નવરાત્રી, સુરક્ષા એજન્સીએ શહેર અથવા તારીખ બદલવાનું સૂચન

Newsvishesh
By Newsvishesh 180 Views

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ODI વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાનો ખતરો છે. બંને ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ દિવસે નવરાત્રીનો તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે. તેને જોતા સુરક્ષા એજન્સીએ મેચની તારીખ અથવા સ્થળ બદલવાનું સૂચન કર્યું છે.

બીજી તરફ, BCCI સેક્રેટરી જય શાહે આવતીકાલે એટલે કે ગુરુવારે જ સ્ટેટ એસોસિયેશન ઓફ વર્લ્ડ કપ વેન્યૂની ઈમર્જન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે મિટિંગમાં મેચની નવી તારીખ અથવા સ્થળ બદલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

નામ જાહેર ન કરવાની શરતે, BCCI અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, ‘અમે અન્ય વિકલ્પો (સ્થળો) શોધી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સુરક્ષા એજન્સીએ કહ્યું કે નવરાત્રી જેવો દિવસ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ મેચ માટે ટાળવો જોઈએ. મેચ માટે હજારો ચાહકો અમદાવાદ જશે, આ દિવસે નવરાત્રિના કારણે શહેરમાં ઘણી ભીડ જોવા મળશે.’

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે 27મી જુલાઈએ એક બેઠક બોલાવી હતી. આ બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેમાં વર્લ્ડ કપની મેચ યોજી રહેલા તમામ સ્ટેટ એસોસિયેશનના અધિકારીઓને બોલાવ્યા છે. માનવામાં આવે છે કે BCCI સુરક્ષાનો મુદ્દો સ્ટેટ એસોસિયેશન સાથે ઉઠાવશે. આ બેઠકમાં સ્થળ અથવા તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

સ્ટેટ એસોસિયેશનને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમામ વર્લ્ડ કપ એસોસિયેશનને બેઠકમાં હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. મને લાગે છે કે તમામ સંબંધિત (રાજ્ય સંગઠનો)એ એકસાથે આવવું જોઈએ અને બોર્ડ દ્વારા સામનો કરવામાં આવી રહેલી સમસ્યા અંગે ચર્ચા કરવી જોઈએ અને નિર્ણય પર પહોંચવું જોઈએ.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 27 જૂને જ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 મેચ રમાઈ. અહીં 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ રમાશે. 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચની સાથે આ સ્ટેડિયમમાં 2 અન્ય લીગ મેચ પણ યોજાશે. ટુર્નામેન્ટની ફાઈનલ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે.

જો તારીખ બદલાશે તો ચાહકો મુશ્કેલીમાં મુકાશે
જો સુરક્ષા એજન્સીના સૂચનને પગલે મેચનું સ્થળ કે તારીખ બદલવામાં આવે તો અમદાવાદમાં પ્રવાસનું આયોજન કરનારા ચાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ટુર્નામેન્ટની મેચ માટે ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી, પરંતુ ચાહકોએ અમદાવાદમાં હોટલના રૂમ બુક કરવાનું શરૂ કરી દીધું છે.

હોટલની સાથે હોસ્પિટલના રૂમ પણ બુક કરવામાં આવ્યા
ICCએ શેડ્યૂલ જાહેર કરતાની સાથે જ ભારત અને વિદેશના હજારો ચાહકોએ અમદાવાદમાં હોટલના રૂમ બુક કર્યા હતા. હોટલ માલિકોએ અપેક્ષા મુજબ ભાડું વધાર્યું. આ જોઈને ચાહકોએ 15મી ઓક્ટોબરની આસપાસ તારીખો માટે હોસ્પિટલ સુધી રૂમ બુક કરાવ્યા. હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે, લોકો ફુલ બોડી ચેક-અપના નામે રૂમ બુક કરાવી રહ્યા છે.

જો સ્થળ અથવા તારીખ બદલવામાં આવે છે, તો મોટી સંખ્યામાં હોટેલ અને હોસ્પિટલના રૂમ બુકિંગ રદ થવાની સંભાવના છે. કારણ કે જ્યાં પણ મેચ રિશેડ્યુલ કરવામાં આવે છે, ચાહકો ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ત્યાં પહોંચવા માગે છે.

2016 T20 વર્લ્ડ કપ પણ ભારતમાં યોજાયો હતો, ત્યારબાદ ભારત-પાકિસ્તાન મેચનું સ્થળ બદલવું પડ્યું હતું. બંને ટીમ વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચ 19 માર્ચે ધર્મશાલામાં યોજાવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી. વિરાટ કોહલીની ફિફ્ટીના આધારે ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

Share This Article
Leave a comment